સુશીલા નાયર

ભારતીય ચિકિત્સક, મહાત્મા ગાંધીના આજીવન અનુયાયી અને રાજકારણી

સુશીલા નાયર (૧૯૧૪–૨૦૦૧) એક ભારતીય ચિકિત્સક, મહાત્મા ગાંધીના આજીવન અનુયાયી અને રાજકારણી હતા. તેમણે ભારતમાં જાહેર આરોગ્ય, તબીબી શિક્ષણ અને સામાજિક અને ગ્રામીણ પુનર્નિર્માણમાં અગ્રણી ભૂમિકા ભજવી હતી.[૧] તેઓ ગાંધીજીના અંગત ચિકિત્સક અને તેમના આંતરિક વર્તુળના એક મહત્વપૂર્ણ સભ્ય હતા.[૧] તેમના ભાઈ પ્યારેલાલ નાયર ગાંધીજીના અંગત સચિવ હતા. સ્વતંત્રતા બાદ તેમણે રાજકીય હોદ્દા માટે ચૂંટણી લડી હતી અને ભારતના આરોગ્ય પ્રધાન તરીકે સેવા આપી હતી.[૨]

૧૯૪૭માં નાયર

જીવન

પ્રારંભિક જીવન અને શિક્ષણ

તેમનો જન્મ ૨૬ ડિસેમ્બર, ૧૯૧૪ના રોજ ગુજરાતના પંજાબ (વર્તમાન પાકિસ્તાન) જિલ્લાના એક નાનકડા શહેર કુંજાહમાં થયો હતો.[૩] બાળવયમાં જ લાહોર ખાતે ગાંધીજી સાથેની મુલાકાતથી અને તેમના ભાઈ પ્યારેલાલના ગાંધીજી સાથેના જોડાણને કારણે તેઓ ગાંધીવાદી આદર્શો પ્રત્યે આકર્ષાયા હતા.[૧] તેણી લેડી હાર્ડિંગ મેડિકલ કોલેજમાં ચિકિત્સાનો અભ્યાસ કરવા માટે દિલ્હી આવ્યા હતા, જ્યાંથી તેણે એમબીબીએસ અને એમડીની પદવી મેળવી હતી. કૉલેજના તેમના સમગ્ર દિવસો દરમિયાન તેઓ ગાંધી પરિવારના નિકટના સંપર્કમાં રહ્યા હતા.[૧]

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન ગાંધીજી સાથે જોડાણ

૧૯૩૯માં તેઓ પોતાના ભાઈ સાથે જોડાવા માટે સેવાગ્રામ આવ્યા અને તરત જ ગાંધી પરિવારના નિકટના સહયોગી બની ગયા. તેમના આગમનના થોડા સમય પબાદ વર્ધામાં કોલેરા ફાટી નીકળ્યો, અને યુવાન તબીબી સ્નાતકે લગભગ એકલા હાથે રોગચાળાના અટકાવ માટેના પ્રયત્નો કર્યા. ગાંધીજીએ એમની હિંમત અને સેવા પ્રત્યેના સમર્પણની પ્રશંસા કરી અને બી. સી. રૉયના આશીર્વાદથી એમને પોતાના અંગત ચિકિત્સક તરીકે નીમ્યા. ૧૯૪૨માં તેઓ પુનઃ એક વાર ગાંધીજી સાથે જોડાયા અને ભારત છોડો ચળવળમાં ભાગ લીધો. તે વર્ષે તેણીને અન્ય અગ્રણી ગાંધીવાદીઓ સાથે પૂનાના આગાખાન પેલેસમાં કેદ કરવામાં આવ્યા હતા. ૧૯૪૪માં એમણે સેવાગ્રામમાં એક નાનકડું દવાખાનું સ્થાપ્યું, પણ થોડા જ વખતમાં એ દવાખાનો વ્યાપ એટલો વધ્યો કે આશ્રમની શાંતિમાં ખલેલ પહોંચી અને પરિણામે એમણે વર્ધામાં ઉદ્યોગપતિ બિરલા દ્વારા દાનમાં અપાયેલા ગેસ્ટહાઉસમાં દવાખાનું ખસેડી લીધું. ૧૯૪૫માં આ નાનકડું ક્લિનિક ઔપચારિક રીતે કસ્તુરબા હૉસ્પિટલ (હવે મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ) બની ગયું. જોકે, આ સમય ખૂબ જ ભયાવહ હતો; ગાંધીજીની હત્યાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા, જેમાં નાથુરામ ગોડસેનો પણ સમાવેશ થાય છે, જેણે આખરે તેમની હત્યા કરી હતી, અને સુશીલા નાયરે અનેક પ્રસંગોએ આ હુમલાઓની જુબાની આપી હતી. ૧૯૪૮માં તેઓ ૧૯૪૪માં પંચગનીમાં બનેલી ઘટના અંગે કપુર કમિશન સમક્ષ હાજર થયા હતા જેમાં નાથુરામ ગોડસેએ કથિત રીતે ગાંધીજી પર ખંજર વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.

મહાત્મા ગાંધીના નજીકના સહયોગી હોવાને કારણે સુશીલા નાયર તેમના બ્રહ્મચર્ય કસોટીઓમાં ભાગ લેનારી મહિલાઓમાંના એક હતા.[૪]

શિક્ષણ અને જાહેર સેવા

૧૯૪૮માં દિલ્હીમાં ગાંધીજીની હત્યા બાદ સુશીલા નાયર અમેરિકા ગયા હતા, જ્યાં તેમણે જ્હોન હોપકિન્સ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થમાંથી જાહેર આરોગ્યમાં બે પદવીઓ મેળવી હતી. ૧૯૫૦માં પાછા ફર્યા બાદ, તેમણે ફરીદાબાદમાં ક્ષય રોગ સેનેટોરિયમની સ્થાપના કરી, જે દિલ્હીની બહારના વિસ્તારમાં આવેલી આદર્શ વસાહત હતી, જેની સ્થાપના સહયોગી ગાંધીવાદી કમલાદેવી ચટ્ટોપાધ્યાયે સહકારી ધોરણે કરી હતી. નાયર ગાંધી મેમોરિયલ લેપ્રોસી ફાઉન્ડેશનના વડા પણ હતા.[૫]

રાજકીય કારકિર્દી

૧૯૫૨માં તેઓ રાજકારણમાં પ્રવેશ્યા અને દિલ્હીની ધારાસભામાં ચૂંટાયા. ૧૯૫૨ થી ૧૯૫૫ સુધી તેમણે નહેરુ મંત્રીમંડળમાં આરોગ્ય પ્રધાન તરીકે સેવા આપી હતી. તેઓ ૧૯૫૫થી ૧૯૫૬ સુધી દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ રહ્યા હતા. ૧૯૫૭માં તેઓ ઝાંસી મતવિસ્તારમાંથી લોકસભામાં ચૂંટાયા હતા અને ૧૯૭૧ સુધી તેમણે સેવા આપી હતી. તેઓ ૧૯૬૨ થી ૧૯૬૭ દરમિયાન ફરીથી કેન્દ્રીય આરોગ્ય પ્રધાન પદે રહ્યા હતા. કોંગ્રેસના શાસનકાળમાં તેઓ ઈન્દિરા ગાંધી સાથે છેડો ફાડીને જનતા પાર્ટી સાથે જોડાયા હતા. ૧૯૭૭માં ઝાંસીથી લોકસભા માટે ચૂંટાયા હતા જ્યારે તેમના નવા પક્ષે ઇન્દિરા ગાંધી સરકારને ઉથલાવીને ઇતિહાસ રચ્યો હતો. ત્યારબાદ તેઓ રાજકારણમાંથી નિવૃત્ત થઈને ગાંધીવાદી આદર્શ પ્રત્યે પોતાની જાતને સમર્પિત કરી દીધી. તેમણે ૧૯૬૯માં મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસની સ્થાપના કરી હતી, અને પોતાની ઊર્જાને સંસ્થાને વિકસાવવા અને વિસ્તારવા પૂરતી મર્યાદિત રાખવા માટે તેઓ પ્રતિબદ્ધ રહ્યાં હતાં.

અંગત જીવન અને મૃત્યુ

તેઓ જીવનભર અપરિણીત રહ્યા હતા.[૬] ૩ જાન્યુઆરી ૨૦૦૧ના રોજ, હૃદયરોગના હુમલાને કારણે તેમનું અવસાન થયું હતું.[૭]

પુસ્તકો

  • ધ સ્ટોરી ઑફ બાપુઝ ઇમ્પ્રિસમેન્ટ (૧૯૪૪)
  • કસ્તુરબા, વાઇફ ઑફ ગાંધી (૧૯૪૮)
  • કસ્તુરબા ગાંધી: અ પર્સનલ રિમેન્સીસ (૧૯૬૦)
  • ફેમિલી પ્લાનિંગ (૧૯૬૩)
  • રોલ ઑફ વુમન ઇન પ્રોહિબિશન (૧૯૭૭)
  • મહાત્મા ગાંધી : સત્યાગ્રહ એટ વર્ક (ખંડ-૪) (૧૯૫૧)
  • મહાત્મા ગાંધી: ઇન્ડિયા અવેકડ, (ખંડ-૫)
  • મહાત્મા ગાંધી : સોલ્ટ સત્યાગ્રહ – ધ વૉટરશેડ, (ખંડ-૬)
  • મહાત્મા ગાંધી : પ્રીપેરીંગ ફોર સ્વરાજ, (ખંડ-૭)
  • મહાત્મા ગાંધી: ફાઇનલ ફાઈટ ફોર ફ્રીડમ, (ખંડ-૮) (૧૯૯૦)
  • મહાત્મા ગાંધી : ધ લાસ્ટ ફેઝ (નવજીવન પબ્લિશિંગ હાઉસ દ્વારા પ્રકાશિત ગાંધીજીના જીવનચરિત્રનો દસમો ગ્રંથ એમના ભાઈ પ્યારેલાલ માટે પૂરો કર્યો હતો.)

સંદર્ભ