મૃણાલિની સારાભાઈ

ભારતીય શાસ્ત્રીય નૃત્યાંગના અને પ્રશિક્ષક

મૃણાલિની વિક્રમ સારાભાઈ (૧૧ મે ૧૯૧૮ – ૨૧ જાન્યુઆરી ૨૦૧૬) એક ભારતીય શાસ્ત્રીય નૃત્યાંગના, નૃત્ય સંચાલક અને પ્રશિક્ષક હતા. તેઓ દર્પણ એકેડમી ઓફ આર્ટસના સ્થાપક હતા, જે અમદાવાદમાં નૃત્ય, નાટક, સંગીત અને કઠપૂતળી કલાની તાલીમ આપતી સંસ્થા છે. તેમને કલામાં તેમના યોગદાન માટે ઘણાં પુરસ્કારો અને સન્માનો પ્રાપ્ત થયા હતા. તેમણે ભરતનાટ્યમ અને કથકલી નૃત્યની ૧૮,૦૦૦ વિદ્યાર્થીઓને તાલીમ આપી હતી. તેઓ ભારતીય ભૌતિકશાસ્ત્રી વિક્રમ સારાભાઈના પત્નિ હતા.

મૃણાલિની સારાભાઈ
મૃણાલિની સારાભાઈ (૨૦૦૮)
જન્મની વિગત(1918-05-11)11 May 1918
કેરળ, બ્રિટીશ ભારત
મૃત્યુ21 January 2016(2016-01-21) (ઉંમર 97)
અમદાવાદ, ગુજરાત, ભારત
રાષ્ટ્રીયતાભારતીય
વ્યવસાયનૃત્યાંગના, નૃત્ય નિર્દેશક અને પ્રશિક્ષક
પદદર્પણ એકેડેમી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના સ્થાપક
જીવનસાથીવિક્રમ સારાભાઈ(m.1942 d. 1971]
સંતાનોમલ્લિકા સારાભાઈ (પુત્રી)
કાર્તિકેય સારાભાઈ (પુત્ર)
સન્માનોપદ્મભૂષણ (૧૯૯૨)
પદ્મશ્રી (૧૯૬૫)

જીવન

પ્રારંભિક જીવન અને શિક્ષણ

તેમનો જન્મ ૧૧ મે ૧૯૧૮ના રોજ કેરળમાં,[૧] મદ્રાસ હાઇકોર્ટમાં ફોજદારી વકીલ એસ. સ્વામીનાથન અને કેરળના પલક્કડમાં આવેલા અનાક્કારાના નાયર કુટુંબમાંથી આવતા એક સામાજિક કાર્યકર અને સ્વાતંત્ર્યસેનાની એ. વી. અમ્મુકુટ્ટી જેઓ અમ્મુ સ્વામીનાથનથી વધુ ઓળખાય છે, ને ત્યાં થયો હતો. તેમનું બાળપણ સ્વિત્ઝરલૅન્ડમાં વીત્યું હતું, જ્યાં તેમણે પાશ્ચાત્ય નૃત્ય શૈલીના શરૂઆતી પાઠ ભણ્યા હતા.[૨] રવિન્દ્રનાથ ટાગોરના માર્ગદર્શન હેઠળ તેમણે શાંતિનિકેતનમાં શિક્ષણ મેળવ્યું જ્યાં તેમને પોતાના જીવનની દિશા મળી. તે પછી તેઓ ટૂંકા સમયગાળા માટે યુનાઇટેડ સ્ટેટ્સ ગયા જ્યાં તેમણે અમેરિકન એકેડમી ઓફ ડ્રામેટિક આર્ટસમાં પ્રવેશ મેળવ્યો. ભારત પરત ફરી તેમણે દક્ષિણ ભારતીય શાસ્ત્રીય નૃત્ય ભરતનાટ્યમની તાલીમ હેઠળ મીનાક્ષી સુંદરમ પિલ્લાઈ અને શાસ્ત્રીય નૃત્ય-નાટિકા કથકલીની તાલીમ સુપ્રસિદ્ધ ગુરુ થાકઝવી કુંચુ કુરૂપ પાસે મેળવી હતી.

લગ્ન અને પછીના વર્ષો

મૃણાલિનીના લગ્ન ભારતીય ભૌતિકશાસ્ત્રી વિક્રમ સારાભાઈ સાથે, જેઓ ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા ગણાય છે, ૧૯૪૨માં થયા હતા. તેમના એક પુત્ર કાર્તિકેય અને પુત્રી મલ્લિકાએ પણ નૃત્ય અને નાટકજગતમાં ખ્યાતિ મેળવી હતી. મૃણાલિનીએ ૧૯૪૮માં અમદાવાદમાં દર્પણ એકેડમી ઓફ આર્ટસની સ્થાપના કરી હતી. તેના એક વર્ષ પછી તેમણે પેરિસ ખાતે થિએટર નેશનલ ડી ચેઇલોટ ખાતે કાર્યક્રમ આપ્યો હતો જેની વિવેચકોએ ઘણી પ્રશંસા કરી હતી.

મૃણાલિની અને વિક્રમભાઇનું લગ્ન જીવન કઠિન રહ્યું હતું. જીવનચરિત્રકાર અમૃતા શાહના મતે વિક્રમ સારાભાઈએ પોતાના વ્યક્તિગત જીવનનો અવકાશ ભરવા માટે વિજ્ઞાનને સામાજીક કાર્યો માટે અમલમાં મૂકીને પોતાને વ્યસ્ત રાખ્યા હતા.[૩]

અન્ય ક્ષેત્રોમાં યોગદાન

૩૦૦થી વધુ નૃત્ય નાટિકાઓના સંચાલન સાથે તેમણે નવલકથાઓ, કવિતાઓ, નાટકો અને બાળવાર્તાઓ લખી હતી. તેઓ ગુજરાત સ્ટેટ હેન્ડિક્રાફ્ટ્સ એન્ડ હેન્ડલૂમ ડેવલોપમેન્ટ લિ. ના ચેરપર્સન રહ્યા હતા. તેઓ સર્વોદય ઇન્ટરનેશનલ ટ્રસ્ટ, જે ગાંધીજીના વિચારોને ઉત્તેજન આપતી સંસ્થા છે, તેમજ નહેરુ ફાઉન્ડેશન ફોર ડેવલોપમેન્ટ સંસ્થાઓના ટ્રસ્ટી હતા. તેમની આત્મકથા મૃણાલિની સારાભાઈ: ધ વોઇસ ઓફ ધ હાર્ટ તરીકે પ્રકાશિત થઇ છે.

કુટુંબ

તેમના પિતા ડો. સ્વામીનાથન મદ્રાસ હાઇકોર્ટના જાણીતા વકીલ અને મદ્રાસ લૉ કોલેજમાં પ્રોફેસર હતા. તેમની માતા અમ્મુ સ્વામીનાથન તેમના સમયના અત્યંત જાણીતા સ્ત્રી સ્વતંત્રતાસેનાની હતા. તેમના મોટા બહેન લક્ષ્મી સહેગલ સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફોજની રાણી ઝાંસી રેજિમેન્ટના કમાન્ડર-ઇન-ચીફ રહ્યા હતા. તેમના મોટા ભાઇ મદ્રાસ હાઇકોર્ટમાં ગોવિંદ સ્વામીનાથન સંવિધાનિક અને ફોજદારી કાયદાઓ તેમજ નાગરિક તેમજ કંપની કાયદાઓના નિષ્ણાત વકીલ હતા; તેઓ મદ્રાસ સ્ટેટના એટર્ની જનરલ રહ્યા હતા.

મૃત્યુ

૨૦ જાન્યુઆરી ૨૦૧૬ના રોજ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેઓ તેના બીજા દિવસે ૯૭ વર્ષની વયે અવસાન પામ્યા હતા.[૪]

સન્માન

મૃણાલિની સારાભાઈને ભારત સરકારે ૧૯૯૨માં રાષ્ટ્રીય પુરસ્કારો પદ્મભૂષણ અને ૧૯૬૫માં પદ્મશ્રી પુરસ્કારો એનાયત કર્યા હતા.[૫] ૧૯૯૭માં યુ.કે.ની યુનિવર્સિટી ઓફ ઇસ્ટ એંગલિયાએ તેમને ડોક્ટર ઓફ લેટર્સ (LittD) પદવીથી સન્માનિત કર્યા હતા. ફ્રેન્ચ એશોશિએશન અર્કાઇવ્સ ઇન્ટનેશનલેસ ડી લા ડાન્સે તરફથી મેડલ અને ડિપ્લોમા મેળવનાર તેઓ પ્રથમ ભારતીય હતા. ૧૯૯૦માં તેઓ પેરિસની ઇન્ટરનેશનલ ડાન્સ કાઉન્સિલની સમિતિ માટે નામાંકિત થયા હતા[૬] અને ૧૯૯૪માં નવી દિલ્હીની સંગીત નાટક અકાદમી ફેલોશીપ મેળવી હતી. મેક્સિકોની સરકાર તરફથી તેમને બેલે ફોલ્કલોરિકો ઓફ મેક્સિકોના નાટ્ય સંચાલન માટે તેમને સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત થયો હતો.

૨૮ ડિસેમ્બર ૧૯૯૮માં દર્પણ એકેડમી ઓફ આર્ટસની સુવર્ણ જયંતી ઉજવવામાં આવી હતી. આ પ્રસંગે શાસ્ત્રીય નૃત્યના ક્ષેત્ર માટે વાર્ષિક પુરસ્કાર "મૃણાલિની સારાભાઈ પુરસ્કાર"ની જાહેરાત કરવામાં આવી હતી.[૭]

કેરળ સરકારના પુરસ્કાર નિશાગાંધી પુરસ્કાર મેળવનાર તેઓ પ્રથમ વ્યકિત હતા. આ પુરસ્કારની શરૂઆત ૨૦૧૩માં કરવામાં આવી હતી.[૮]

આ પણ જુઓ

બાહ્ય કડીઓ

સંદર્ભ