માણેક બુરજ

ભદ્રના કિલ્લાના પાયાનું નિર્માણ

માણેક બુરજ અથવા માણેક બુર્જ ગઢ ભદ્રના કિલ્લાના પાયાનું નિર્માણ છે, જે અમદાવાદ (જૂના શહેર), ગુજરાત, ભારત ખાતે આવેલ છે.[૧]

માણેક બુરજ
માણેક બુર્જ
એલિસ બ્રિજથી દેખાતો માણેક બુરજ
નકશો
અમદાવાદમાં માણેક બુરજનું સ્થાન
વ્યુત્પત્તિમાણેકનાથ
સામાન્ય માહિતી
પ્રકારશહેરના કોટનો બુર્જ
સ્થાનએલિસ બ્રિજનો પૂર્વ છેડો
નગર અથવા શહેરઅમદાવાદ
દેશભારત
અક્ષાંશ-રેખાંશ23°01′20″N 72°34′38″E / 23.0221373°N 72.577357°E / 23.0221373; 72.577357
નામકરણમાણેકનાથ
બાંધકામની શરૂઆત૧૪૧૧
પુન:નિર્માણ૨૦૦૩
ઉંચાઇ૫૩ ફીટ
પરિમાણો
પરિઘ૭૭ ફીટ
તકનિકી માહિતી
બાંધકામ સામગ્રીઇંટ અને માટી

વ્યુત્પત્તિ

આ નામ ૧૫મી સદીના સુપ્રસિદ્ધ હિંદુ સંત માણેકનાથની યાદગીરીમાં આપવામાં આવ્યું છે, જેમણે ૧૪૧૧ના વર્ષમાં અહમદશાહને ભદ્રનો કિલ્લો બાંધવામાં વિક્ષેપ પાડ્યો હતો અને મદદ પણ કરી હતી.[૨][૩][૪][૫]

ઇતિહાસ

આ અમદાવાદ શહેરની પાયાની ઈમારતનો હોવાથી, તે ૨૬ ફેબ્રુઆરી, ૧૪૧૧ના રોજ અહમદશાહ I દ્વારા નિર્માણ કરાવવામાં આવ્યો હતો. તે શહેરના પાયાના પથ્થરની ફરતે બાંધવામાં આવેલ છે. આ બુરજ, બહારની બાજુએ ત્રેપન ફુટ ઊંચો છે, જેની બાજુમાં ૭૭ ફૂટ પરિઘની માણેક કુવા તરીકે ઓળખાતી વાવ છે. સાબરમતી નદીના પ્રવાહમાં થયેલા ફેરફાર દરમિયાન આ વાવ સૂકાઈ ગઈ હતી અને વર્ષ ૧૮૬૬માં તેને ભરવામાં આવી હતી. બુરજ નજીક એક પાણીની નહેર હતી, જે તે સમયમાં કિલ્લામાં શાહી સ્નાન માટે પાણી લાવવા માટે હતી.[૬] વર્ષ ૧૮૬૯માં આ બુરજની નજીક સૌપ્રથમ એલિસ બ્રિજ, સાબરમતી નદી પર બાંધવામાં આવ્યો હતો. ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મે ૧૯૮૯ના સમયમાં એલિસ બ્રિજ અને તેની આસપાસનો વિસ્તાર, માણેક બુરજ અને સાબરમતી નદીના કિનારે આવેલા કુદરતી પાણીના વહેણને સુરક્ષિત સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યાં હતાં. મૂળ લોખંડનો પુલ સાંકડો હોવાને કારણે ભારે વાહનો તેમ જ ગીચ ટ્રાફિક માટે યોગ્ય ન હોવાથી તે વર્ષ ૧૯૯૭માં વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો અને બાજુમાં વર્ષ ૧૯૯૯માં નવો સિમેન્ટ-કોંક્રિટ પુલ બાંધવામાં આવ્યો હતો. આ પુલ-નિર્માણ માટે આ બુરજનો કેટલોક ભાગ આંશિક રીતે તોડવામાં આવ્યો હતો.[૭][૮]

૨૦૦૧ ગુજરાત ધરતીકંપ અને ૨૦૦૨ ગુજરાત હિંસા પછી, ઘણા લોકો માનવા લાગ્યા હતા કે આ શહેરને આ બુરજને થયેલ નુકસાનને કારણે મુશ્કેલીઓ પડી રહી છે. તેથી આ બુરજનો ૨૦૦૩ના વર્ષમાં મરામત કરી ફરી સુરક્ષિત કરવામાં આવ્યો હતો.[૯]

સંસ્કૃતિ

ચંદન અને રાજેશ નાથ; સંત માણેકનાથના તેરમી પેઢીના વંશજો, દર વર્ષે વિજયાદશમીના દિવસે અને અમદાવાદ શહેર સ્થાપના દિવસના રોજ અહીં પૂજન તેમ જ ધજા-આરોહણનું કાર્ય કરે છે.[૧૦][૧૧]

છબીઓ

સંદર્ભો

  • આ લેખ Gazetteer of the Bombay Presidency: Ahmedabad. Government Central Press. ૧૮૭૯. પૃષ્ઠ 276.માંથી પબ્લિક ડોમેન સમાવિષ્ટ લખાણ ધરાવે છે.