મહાબત મકબરો

જુનાગઢ, ગુજરાતમાં આવેલો મકબરો

મહાબત મકબરો અને બહાઉદ્દીન મકબરો, એ જૂનાગઢ, ભારતમાં આવેલાં સ્મારકો છે. તેમનું બાંધકામ અનુક્રમે ૧૮૯૨ અને ૧૮૯૬માં પૂર્ણ થયું હતું. આ મકબરા જૂનાગઢ રાજ્યના નવાબ મહાબતખાન દ્વિતીય અને તેમના મંત્રી બહાઉદ્દીન હુસૈનને સમર્પિત છે.

મહાબત મકબરો
મહાબત મકબરો
નકશો
Coordinates21°31′38″N 70°27′36″E / 21.5272°N 70.46°E / 21.5272; 70.46
Locationજૂનાગઢ, ગુજરાત, ભારત
Typeમકબરો
Beginning date૧૮૭૮
Completion date૧૮૯૨
Dedicated toમહાબતખાન દ્વિતીય

ઈતિહાસ

જૂનાગઢ રાજ્ય પર બાબી વંશના નવાબોનું શાસન હતું. મહાબત મકબરાનું નિર્માણ ૧૮૭૮માં બાબી વંશના નવાબ મહાબતખાન દ્વિતીય (૧૮૫૧-૮૨) દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું અને ૧૮૯૨માં નવાબ બહાદુરખાન ત્રીજા (૧૮૮૨-૯૨)ના શાસન દરમિયાન સમાપ્ત થયું હતું. તેમાં મહાબતખાન દ્વિતીયની કબર છે.[૧][૨][૩] આ મકબરા પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો અને અવશેષો અધિનિયમ, ૧૯૬૫ હેઠળ રાજ્ય સંરક્ષિત સ્મારક છે.[૩]

બહાઉદ્દીન મકબરો

મહાબત મકબરાના ઉત્તરમાં આવેલા મકબરાનું નિર્માણ મહાબતખાન દ્વિતીયના મંત્રી શેખ બહાઉદ્દીન હુસૈન દ્વારા ૧૮૯૧-૧૮૯૬ દરમિયાન પોતાના ભંડોળમાંથી કરવામાં આવ્યું હતું. તેને બહાઉદ્દીન મકબરા અથવા વઝીરના મકબરા તરીકે ઓળખવામાં આવે છે.[૧][૪][૩]

સ્થાપત્યશૈલી

મકબરાની આસપાસ ઘુમાવદાર સીડીવાળા મિનાર.

આ મકબરા ઇન્ડો-ઇસ્લામિક, ગોથિક અને યુરોપિયન શૈલીના સંયોજન માટે જાણીતા છે.[૨][૫] આ મકબરાના આંતરિક અને બાહ્ય ભાગો પર નકશીકામ જોવા મળે છે તથા પીળા રંગની છાંટવાળા આછા ભૂખરા રંગની કમાન આવેલી છે.

તેમાં ડુંગળી જેવા આકારના ડોમ, ફ્રેન્ચ બારીઓ, શિલ્પો, માર્બલ ટ્રેસરી વર્ક, માર્બલ કોલમ, માર્બલ જાળી અને ચાંદીના દરવાજા છે. બહાઉદ્દીન મકબરાની ચારેબાજુના મિનારા તેમની આસપાસ ઘુમાવદાર સીડીઓ ધરાવે છે.

આ મકબરાઓની નજીકમાં જ સમાન સ્થાપત્ય શૈલી ધરાવતી જામા મસ્જિદ આવેલી છે.[૧]

સંદર્ભ

બાહ્ય કડીઓ