મહાત્મા મંદિર

ગાંધીનગર, ગુજરાત, ભારત સ્થિત સંમેલન કેન્દ્ર અને સ્મારક

મહાત્મા મંદિર એ સેકટર ૧૩, ગાંધીનગર, ગુજરાત, ભારત ખાતે આવેલું એક સંમેલન અને પ્રદર્શન કેન્દ્ર તેમજ સ્મારક સંકુલ છે. તે મહાત્મા ગાંધીના જીવન અને દર્શનથી પ્રેરિત છે. આ સંકુલ 34 acres (14 ha; 0.053 sq mi) માં ફેલાયેલું ભારતનું સૌથી મોટું સંમેલન કેન્દ્ર છે.[૧]

મહાત્મા મંદિર
નકશો
સરનામુંસેક્ટર ૧૩
સ્થળગાંધીનગર, ગુજરાત, ભારત
Coordinates 72°38′3″E / 23.23056°N 72.63417°E / 23.23056; 72.63417
માલિકગુજરાત સરકાર
બાંધકામ૧ મે ૨૦૧૧ - ૨૦૧૩
ઉદ્ઘાટન૨૦૧૧
બાંધકામ ખર્ચ
૨૧૫ crore (US$૨૮ million)
મિટીંગ રૂમ બેઠક
૨૫૦૦ (૪ સેમિનર હૉલ)
થિયેટર બેઠક
૬૦૦૦
Enclosed space
વેબસાઈટ
www.mahatmamandirgujarat.com

તેનો વિકાસ ગુજરાત સરકારે કર્યો હતો.[૨] વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર સમિટ ૨૦૧૧, ૨૦૧૩, ૨૦૧૫ અને ૨૦૧૭ જેવા વ્યાપાર સંમેલનોનું અહીં આયોજન કરવામાં આવ્યું હતું. [૩]

ઇતિહાસ

ગુજરાત સરકાર મહાત્મા મંદિરને એકતા અને વિકાસ સ્મારક તરીકે વિકસાવવા માંગતી હતી. આ સ્મારકના પાયામાં ભરવામાં આવેલી રેતીને ગુજરાતના તમામ ૧૮,૦૬૬ ગામોના પ્રતિનિધિઓ દ્વારા ગાગરમાં લાવવામાં આવી હતી અને ઈમારતના પાયામાં પૂરવામાં આવી હતી.[૧] વર્ષ ૨૦૧૦માં આ મંદિરના ભૂમિ પુજન વખતે તેના પાયામાં ગુજરાતનો ઈ.સ. ૨૦૧૦ સુધીનો ઇતિહાસ ધરાવતી ટાઈમ કેપ્સુલ પણ દફનાવવામાં આવી હતી.[૪]

લાર્સન એન્ડ ટુબ્રો (એલ ઍન્ડ ટી) અને શાપુરજી પાલનજી એન્ડ કંપની લિમિટેડ દ્વારા બે તબક્કામાં આ સ્મારકનું નિર્માણ કરાયું હતું. તેનું આયોજન અને ડિઝાઇન પર્યાવરણને અનુકૂળ છે.[૫]

મહાત્મા મંદિરનો પ્રથમ તબક્કો મે ૨૦૧૦ થી જાન્યુઆરી ૨૦૧૧ સુધીના નવ મહિનામાં ૧૩૫ કરોડ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવ્યો હતો. તેમાં એક કન્વેન્શન સેન્ટર, ત્રણ મોટા એક્ઝિબિશન ખંડ અને કોન્ફરન્સિંગ સુવિધાવાળા નાના હોલ શામેલ છે.[૧][૫][૬]

બીજા તબક્કામાં મીઠાના ટેકરાનું સ્મારક, એક બગીચો, સસ્પેન્શન બ્રિજ, પવન ચક્કીઓ અને પાર્કિંગની જગ્યા વગેરેને રૂ. ૮૦ કરોડના ખર્ચે વિકસાવવામાં આવેલ છે.[૭]

માળખાં

સંમેલન કેન્દ્ર

મુખ્ય સંમેલન સભાખંડ એક સમયે ૧૫,૦૦૦ થી વધુ લોકોને સમાવી શકે એટલી ક્ષમતાવાળો થાંભલા રહિત વાતાનુકુલિત સભાખંડ છે. તેના થિયેટર શૈલીના મુખ્ય હોલમાં ૬૦૦૦ લોકોની ક્ષમતા છે. એક્ઝિબિશન હોલ 10,000 sq ft (930 m2) જેટલો વિશાળ છે. આ કેન્દ્રમાં ચાર સેમિનાર હોલ (ત્રણની બેઠક ક્ષમતા ૫૦૦ અને એકની ક્ષમતા ૧૦૦૦), સાત હાઇ ટેક કોન્ફરન્સ હૉલ અને એક સભાખંડ છે.[૬][૮] લીલા દ્વારા સંચાલીત મહાત્મા મંદિર સંમેલન અને પ્રદર્શન કેન્દ્ર મહાત્મા ગાંધીજીના જીવન અને દર્શનથી પ્રેરણા પામે છે. ૩૪ એકરમાં ફેલાયેલી, તે ભારતની સૌથી મોટી અત્યાધુનિક સુવિધા છે, જે સૌંદર્ય શાસ્ત્ર, કાર્યક્ષમતા અને સુગમતાની ભાવનાને જોડી એક અનન્ય સંકુલ બન્યું છે. ૨૦,૦૦૦ ચો.મી.ના કન્વેન્શન અને એક્ઝિબિશન ક્ષેત્રમાં કુદરતી પ્રકાશ અને હવાદાર જગ્યાઓ વિપુલ પ્રમાણમાં છે અને તે ઊર્જા કાર્યક્ષમ લાઇટિંગ અને મલિન પાણીના વ્યવસ્થાપન ધરાવે છે. હોટેલ લીલા ગાંધીનગર, જે ૨૦૧૯ ની શરૂઆતમાં પૂર્ણ થવાની અપેક્ષા છે, તે સંકુલની અંદર ૩૦૦ રૂમ ધરાવતી ફાઈવ સ્ટાર હોટેલ હશે.[૯]

સ્મારક

આ કેન્દ્રમાં મહાત્મા ગાંધીને સમર્પિત એક સ્મારક બનાવવામાં આવ્યું છે. તેનું બાંધકામ શાપુરજી પાલનજી એન્ડ કંપની લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે. દાંડી યાત્રાની યાદમાં એક સસ્પેન્શન બ્રિજ બનાવવામાં આવ્યો છે. કોંક્રિટ ડોમ માળખું અને મીઠાના ટેકરાનો આકાર ધરાવતી ઈમારત સંગ્રહાલયો, પુસ્તકાલય અને સંશોધન કેન્દ્ર ધરાવે છે. મહાત્મા ગાંધીજીના જીવનને દર્શાવતા પથ્થર ભીંતચિત્રો ધરાવતો એક શિલ્પ બગીચો પણ વિકસિત કરવામાં આવ્યો છે. ચરખા નામનો એક ભવ્ય ચરખો પણ અહીં સ્થાપિત થયેલ છે.[૬]

સેન્ટ્રલ વિસ્તા

૧૬૨ મીટર પહોળો અને ૩ કિમોમીટર લાંબો મહાત્મા મંદિર અને ગુજરાત વિધાનસભાના મકાનને જોડતો એક રસ્તો બનાવવામાં આવ્યો છે. તેની વચ્ચે બગીચાઓ સાથે બંને બાજુ ત્રણ લેન છે. તે ગુજરાતની એક વ્યાપક એવન્યુ છે.[૧૦] [૧૧]

વિવાદો

ઝુંપડપટ્ટીવાસીઓના ૩૫૬ પરિવારો આ પ્રોજેક્ટના કારણે વિસ્થાપિત થયા હતા, જેના કારણે વિવાદ સર્જાયો હતો તેમને પાછળથી નવી સુવિધા મળી આપવામાં આવી હતી.[૧૨]

કેટલાક ગાંધીવાદીઓએ બાંધકામ સામે એવી દલીલ કરી હતી કે તે મહાત્મા ગાંધીના દર્શનને યોગ્ય નથી.[૨]

સંદર્ભ

બાહ્ય કડીઓ