પિંગલી વેંકય્યા

ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને ગાંધીવાદી

પિંગલી વેંકૈયા (૨ ઓગસ્ટ ૧૮૭૬[૧][૨] – ૪ જુલાઇ ૧૯૬૩) એક ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને ગાંધીવાદી હતા. તેઓ સ્વરાજ ધ્વજની રચના માટે જાણીતા છે, જેનો ઉપયોગ મહાત્મા ગાંધી દ્વારા ભારતીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન કરવામાં આવ્યો હતો અને પછીથી સુરૈયા તૈયબજી દ્વારા ભારતના ધ્વજમાં રૂપાંતરિત કરવામાં આવ્યો હતો.[૩] તેઓ પ્રાધ્યાપક, લેખક, ભૂસ્તરશાસ્ત્રી, શિક્ષણશાસ્ત્રી, કૃષિવિદ્ અને બહુમુખી પ્રતિભા ધરાવતા વ્યક્તિ હતા.[૪]

પિંગલી વેંકય્યા
૨૦૦૯ની ટપાલ ટિકિટ પર પિંગલી વેંકય્યા
જન્મની વિગત૨૦ ઓગસ્ટ ૧૮૭૬/૮
ભટલાપેનુમારુ, મદ્રાસ પ્રેસિડેન્સી, બ્રિટીશ ભારત (વર્તમાન આંધ્ર પ્રદેશ, ભારત)
મૃત્યુ૪ જુલાઈ ૧૯૬૩ (ઉં. ૮૪/૮૬)
ભારત
રાષ્ટ્રીયતાભારતીય
અન્ય નામોડાયમંડ વેંકય્યા, પટ્ટી વેંકય્યા
વ્યવસાયપ્રાધ્યાપક, લેખક, ભૂસ્તરશાસ્ત્રી, શિક્ષણશાસ્ત્રી, કૃષિવિદ્
પ્રખ્યાત કાર્યભારતીય રાષ્ટ્રધ્વજના રચનાકાર
જીવનસાથીરુક્મિનમ્મા

ઓગણીસ વર્ષની ઉંમરે વેંકય્યાએ બ્રિટીશ ભારતીય સૈન્યમાં પ્રવેશ મેળવ્યો હતો અને બીજા બોઅર યુદ્ધ (૧૮૯૯–૧૯૦૨) દરમિયાન તેમને દક્ષિણ આફ્રિકામાં તૈનાત કરવામાં આવ્યા હતા. યુદ્ધ દરમિયાન જ્યારે સૈનિકોને બ્રિટનના રાષ્ટ્રધ્વજ યુનિયન જેકને સલામી આપવાની હતી ત્યારે વેંકય્યાને ભારતીયો માટે ધ્વજ રાખવાની જરૂરિયાત સમજાઈ ગઈ હતી.[૫] વેંકૈયાએ ૧૯૦૬માં કલકત્તામાં એઆઈસીસીના અધિવેશનમાં હાજરી આપી ત્યારે કોંગ્રેસની સભાઓમાં બ્રિટિશ ધ્વજ ફરકાવવાના વિચારનો તેમણે વિરોધ કર્યો હોવાથી તેમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ માટે ધ્વજની રચના કરવાની પ્રેરણા મળી હતી.[૨]

૧૯૪૭માં પ્રાપ્ત થયેલી સ્વતંત્રતા પહેલાં ભારતીય સ્વતંત્રતા ચળવળના સભ્યો દ્વારા વિવિધ ધ્વજનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પિંગલી વેંકૈયાએ ૧ એપ્રિલ ૧૯૨૧ ના રોજ ગાંધીજીની વિજયવાડા શહેરની મુલાકાત દરમિયાન રાષ્ટ્રધ્વજની રચના કરી મહાત્મા ગાંધીને તે અર્પણ કર્યો હતો.[૬][૭][૮] વેંકય્યાનો ધ્વજનો પ્રથમ મુસદ્દો લાલ અને લીલા રંગમાં હતો. લાલ રંગ હિન્દુઓનું પ્રતિનિધિત્વ કરતો હતો અને લીલો રંગ મુસ્લિમોનું પ્રતિનિધિત્વ કરતો હતો. ગાંધીજીના સૂચન પર વેંકય્યાએ ભારતમાં હાજર અન્ય તમામ સંપ્રદાયો અને ધર્મોનું પ્રતિનિધિત્વ કરવા માટે એક સફેદ પટ્ટી ઉમેરી હતી.[૫] ૧૯૨૧થી કોંગ્રેસની તમામ સભાઓમાં વેંકય્યાના ઝંડાનો અનૌપચારિક ઉપયોગ કરવામાં આવે છે. ૨૨ જુલાઈ, ૧૯૪૭ના રોજ બંધારણ સભાની બેઠક દરમિયાન ધ્વજને તેના વર્તમાન સ્વરૂપમાં અપનાવવામાં આવ્યો હતો.[૨][૫][૬]

વેંકય્યા એક ખેડૂત અને એક શિક્ષણવિદ્‌ હતા જેમણે મછલીપટ્ટનમમાં એક શૈક્ષણિક સંસ્થા સ્થાપી હતી. તેઓ ૧૯૬૩માં મૃત્યુ પામ્યા હતા.[૫][૪] ૨૦૦૯માં તેમની યાદમાં એક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. વર્ષ ૨૦૧૨માં મરણોપરાંત ભારત રત્ન માટે તેમના નામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, જો કે આ પ્રસ્તાવ પર કેન્દ્ર સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નહોતી.[૨][૫]

પ્રારંભિક જીવન

પિંગાલી વેંકૈયાનો જન્મ ૨ ઓગસ્ટ, ૧૮૭૬ અથવા ૧૮૭૮ના રોજ મછલીપટ્ટનમ નજીક, ભટલાપેનુમારુ ખાતે (વર્તમાન આંધ્ર પ્રદેશ) એક તેલુગુ બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો.[૨][૯][૧૦] તેના માતાપિતા હનુમંત રાયડુ અને વેંકટ રત્નમા હતા. તેમણે મછલીપટ્ટનમની હિન્દુ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. તેમણે પોતાનું બાળપણ યાર્લગડ્ડા અને પેડકલ્લેપલ્લી જેવા કૃષ્ણ જિલ્લાના વિવિધ સ્થળોએ વિતાવ્યું હતું. તેમણે પમારરુ ગામના કરનમની પુત્રી રુક્મિનમ્મા સાથે લગ્ન કર્યા.[૧૧]

૧૯ વર્ષની વયે, તેમણે બ્રિટીશ ભારતીય સૈન્યમાં પ્રવેશ મેળવ્યો હતો અને બીજા બોઅર યુદ્ધ (૧૮૯૯–૧૯૦૨) દરમિયાન દક્ષિણ આફ્રિકામાં તૈનાત કરવામાં આવ્યા હતા, જ્યાં તેઓ પ્રથમ વખત ગાંધીજીને મળ્યા હતા.[૨] યુદ્ધ દરમિયાન જ્યારે સૈનિકોને બ્રિટનના રાષ્ટ્રધ્વજ યુનિયન જેકને સલામી આપવી પડી ત્યારે વેંકૈયાને ભારતીયો માટે ધ્વજ રાખવાની જરૂરિયાત સમજાઈ હતી.[૫][૧૧]

કારકિર્દી

વેંકય્યાએ મદ્રાસ પ્રેસિડેન્સી કોલેજમાંથી ભૂસ્તરશાસ્ત્ર પર ડિપ્લોમા મેળવ્યો હતો. ૧૯૧૧-૧૯૪૪ સુધી તેમણે મછલીપટ્ટનમમાં આવેલી આંધ્ર નેશનલ કોલેજમાં લેક્ચરર તરીકે કામ કર્યું હતું. ૧૯૨૪થી ૧૯૪૪ સુધી તેમણે નેલ્લોરમાં અબરખ પર સંશોધન કર્યું હતું. તેમણે ભૂસ્તરશાસ્ત્ર પર 'થલ્લી રાય' નામનું પુસ્તક પણ લખ્યું હતું.[૧૨]

વેંકય્યા ડાયમંડ માઇનિંગના નિષ્ણાત હોવાથી તેમને ડાયમંડ વેંકય્યાના હુલામણા નામથી પણ ઓળખવામાં આવતા હતા. તેમને પટ્ટી વેંકય્યા ( કોટન વેંકય્યા) પણ કહેવામાં આવતા હતા, કારણ કે તેમણે તેમનો મોટાભાગનો સમય કપાસની મુખ્ય જાતો પર સંશોધન કરવામાં વિતાવ્યો હતો અને કંબોડિયા કોટન પર વિસ્તૃત અભ્યાસ કર્યો હતો.[૯][૧૩] તે બહુમુખી પ્રતિભા ધરાવતા હતા જે જાપાનીઝ અને ઉર્દૂ સહિત ઘણી ભાષાઓમાં નિપુણ હતા.[૯][૫] તેમણે ૧૯૧૩માં બાપટલાની એક શાળામાં જાપાનીઝ ભાષામાં પૂર્ણ-લંબાઈનું ભાષણ આપ્યું હતું. ત્યારથી જ તેમને જાપાન વેંકૈયા તરીકે પણ ઓળખવામાં આવતા હતા.[૧૩][૧૪]

રાષ્ટ્રધ્વજની રચના

વેંકય્યા દ્વારા ડિઝાઇન કરવામાં આવેલા ગાંધીજીના ધ્વજને ૧૯૨૧માં કોંગ્રેસની બેઠકમાં રજૂ કરવામાં આવ્યો હતો.[૧૫]

૧૯૦૬માં કલકત્તામાં દાદાભાઈ નવરોજીની આગેવાની હેઠળ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધિવેશનમાં વેંકય્યાએ હાજરી આપી ત્યારે કોંગ્રેસની સભાઓમાં અંગ્રેજોનો ઝંડો ફરકાવવાના વિચારનો તેમણે વિરોધ કરતાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ માટે ધ્વજની રચના કરવાની પ્રેરણા તેમને મળી હતી.[૨] વેંકય્યાએ સંભવિત ડિઝાઇન પર કામ કર્યું હતું, જેનો ઉપયોગ સ્વરાજ ચળવળ માટે ધ્વજ તરીકે થઈ શકે. ભારતીય સંસ્કૃતિ, વારસો અને ઇતિહાસ સાથે વિવિધ મહત્વ અને સંબંધ ધરાવતા ધ્વજના ૨૫થી વધુ મુસદ્દા તૈયાર કરવામાં આવ્યા હતા. ૧૯૧૬માં તેમણે ભારતના રાષ્ટ્રીય ધ્વજ સંબંધિત એક પુસ્તક પ્રકાશિત કર્યું હતું જેમાં ધ્વજ માટે ૩૦ સંભવિત ડિઝાઇન છે.[૧૪][૧૨] ૧૯૧૮થી ૧૯૨૧ સુધી તેમણે કોંગ્રેસની નેતાગીરી સમક્ષ વિવિધ વિચારો રજૂ કર્યા હતા. તે સમયે તેઓ મછલીપટ્ટનમમાં આવેલી આંધ્ર નેશનલ કોલેજમાં કાર્યરત હતા.[૧]

૧૯૨૧માં, એઆઈસીસી (AICC)એ તેનું બે દિવસીય નિર્ણાયક અધિવેશન બેઝાવાડા (હવે વિજયવાડા)માં ૩૧ માર્ચ અને ૧ એપ્રિલના રોજ યોજ્યું હતું.[૧૬][૧૭]ગાંધીજીએ અધિવેશનમાં ધ્વજ માટે ડિઝાઇન રજૂ કરવા માટે વેંકય્યાને કહ્યું ત્યારે તેમણે ત્રણ કલાકની અંદર આ કામ કરી બતાવ્યું હતું. વેંકય્યાએ ગાંધીજીને ખાદીના વણાટ પર ધ્વજની પ્રાથમિક ડિઝાઇન બતાવી હતી. આ પહેલો ધ્વજ લાલ અને લીલો રંગનો હતો. લાલ રંગ હિન્દુઓનું પ્રતિનિધિત્વ કરતો હતો અને લીલો રંગ દેશના મુસ્લિમોનું પ્રતિનિધિત્વ કરતો હતો. ગાંધીજીના સૂચન પર વેંકય્યાએ દેશમાં હાજર અન્ય સંપ્રદાયો અને ધર્મોનું પ્રતિનિધિત્વ કરવા માટે એક સફેદ પટ્ટી ઉમેરી હતી. આ ધ્વજને એઆઈસીસી (AICC) દ્વારા સત્તાવાર રીતે સ્વીકારવામાં આવ્યો ન હતો પરંતુ તેનો ઉપયોગ દેશભરમાં થવા લાગ્યો હતો. ૧૯૨૧થી કોંગ્રેસની તમામ સભાઓમાં વેંકય્યાના ઝંડાનો અનૌપચારિક ઉપયોગ કરવામાં આવે છે. ભારતની આઝાદીના વીસ દિવસ પહેલાં ૨૨ જુલાઈ, ૧૯૪૭ના રોજ બંધારણ સભાની બેઠક દરમિયાન ધ્વજને તેના વર્તમાન સ્વરૂપમાં અપનાવવામાં આવ્યો હતો.[૧૧][૧૮]

અવસાન અને વિરાસત

વિજયવાડાના ઓલ ઇન્ડિયા રેડિયો સ્ટેશન પર પિંગલી વેંકૈયાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી રહેલા વેંકય્યા નાયડુ

વેંકય્યા ગાંધીવાદી વિચારધારાઓ અનુસાર નમ્રતાપૂર્વક જીવ્યા હતા અને ૧૯૬૩માં ગરીબીમાં તેમનું અવસાન થયું હતું. વેંકૈયાની પુત્રી ઘંટાસલા સીતા મહાલક્ષ્મીનું ૨૧ જુલાઈ ૨૦૨૨ના રોજ ૧૦૦ વર્ષની વયે નિધન થયું હતું.[૧૯][૨૦]

વેંકય્યા અને પ્રથમ ધ્વજની યાદમાં એક સ્મારક ટપાલ ટિકિટ ૨૦૦૯માં બહાર પાડવામાં આવી હતી.[૨] ૨૦૧૪માં ઓલ ઇન્ડિયા રેડિયોના વિજયવાડા સ્ટેશનનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું હતું.[૧૩][૧૪] વર્ષ ૨૦૧૨માં મરણોપરાંત ભારત રત્ન માટે તેમના નામની દરખાસ્ત કરવામાં આવી હતી, જો કે આ પ્રસ્તાવ પર કેન્દ્ર સરકાર તરફથી કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી ન હતી.[૪]

૧૯૯૨માં આંધ્ર પ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી એન. ટી. રામા રાવે હૈદરાબાદના નેકલેસ રોડ પર વેંકય્યાની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.[૧૯] જાન્યુઆરી ૨૦૧૫માં વિજયવાડામાં ઓલ ઇન્ડિયા રેડિયોની ઇમારતના અગ્રભાગમાં તત્કાલીન શહેરી વિકાસ મંત્રી વેંકૈયા નાયડુના હસ્તે તેમની એક પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.[૯]

સંદર્ભ

પૂરક વાંચન

  • Roy, Srirupa (August 2006). "A Symbol of Freedom: The Indian Flag and the Transformations of Nationalism, 1906–". Journal of Asian Studies. 65 (3). ISSN 0021-9118. OCLC 37893507.