ટાગોર મેમોરિયલ હોલ

અમદાવાદ, ભારત ખાતે આવેલ એક ઑડિટોરિયમ

ટાગોર મેમોરિયલ હોલ, જે ટાગોર હોલ તરીકે પણ ઓળખાય છે, તે અમદાવાદ, ભારત ખાતે આવેલ એક ઑડિટોરિયમ છે. આ ઇમારત ૧૯૬૧માં બી. વી. દોશીએ ડિઝાઇન કરી છે. તે નૃશંસ સ્થાપત્યનું ઉદાહરણ છે. તેનું બાંધકામ ૧૯૬૬માં શરૂ થયું હતું અને ૧૯૭૧માં પૂર્ણ થયું હતું. ૨૦૧૩માં તેનું નવીનીકરણ (રિનોવેશન) કરવામાં આવ્યું હતું.

ટાગોર મેમોરિયલ હોલ
નૈઋત્ય ખૂણેથી ટાગોર મેમોરિયલ હોલ
નકશો
અન્ય નામોટાગોર હોલ
વ્યુત્પત્તિરવિન્દ્રનાથ ટાગોર
સામાન્ય માહિતી
પ્રકારઑડિટોરીયમ
સ્થાપત્ય શૈલીબ્રુટલિસ્ટ સ્થાપત્ય[upper-alpha ૧]
સરનામુંસંસ્કાર કેન્દ્ર, પાલડી સામે
નગર અથવા શહેરઅમદાવાદ
દેશભારત
બાંધકામની શરૂઆત૧૯૬૬
પૂર્ણ૧૯૭૧
પુન:નિર્માણ૨૦૧૩
સમારકામ ખર્ચ૧૧ crore (US$૧.૪ million)
અસીલઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
માલિકઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
તકનિકી માહિતી
બાંધકામ સામગ્રીકોંક્રિટ
માળની સંખ્યાચાર
રચના અને બાંધકામ
સ્થપતિબી. વી. દોશી[૧]
સ્થપતિ કાર્યાલયવાસ્તુ શિલ્પ કન્સલટન્ટ્સ
બાંધકામ એન્જિનિયરમહેન્દ્ર રાજ[૧]

ઇતિહાસ

લી કાર્બઝિયરે અમદાવાદના સાંસ્કૃતિક કેન્દ્રના એક ભાગ તરીકે સંસ્કાર કેન્દ્રની રચના કરી હતી, અને પરફોર્મિંગ આર્ટ્સ માટે અન્ય બે ઇમારતોની દરખાસ્ત કરી હતી, જેને તેમણે વ્યાવસાયિક કલાકારો માટે "બોક્સ ઑફ મિરાકલ્સ" (ચમત્કારોનો પટારો) અને કલાપ્રેમી કલાકારો માટે "સ્વયંભૂ રંગમંચ" ગણાવ્યું હતું. પરંતુ આ ઇમારતો ક્યારેય નિર્માણ પામી શકી નહિ.[૧] ૧૯૬૦ના દાયકામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બી. વી. દોશીને આ જ સ્થળે રવિન્દ્રનાથ ટાગોરને સમર્પિત એક હોલની ડિઝાઇન તૈયાર કરવાનું કામ સોંપ્યું હતું. તેમણે ૧૯૬૧માં ડિઝાઇન પૂરી કરી હતી.[૧] આ હોલનું નિર્માણ ૧૯૬૬થી ૧૯૭૧[૨] દરમિયાન સંરચનાત્મક ઇજનેર (સ્ટ્રક્ચરલ એન્જિનિયર) મહેન્દ્ર રાજના હાથ નીચે કરવામાં આવ્યું હતું.[૩]

પ્રવેશદ્વારના અગ્રભાગ પર ટાગોરનું સ્ટેનલેસ સ્ટીલનું ચિત્ર

આ હોલનું નવીનીકરણ પ્રકાશ અને ધ્વનિ પ્રણાલી (લાઇટ એન્ડ સાઉન્ડ સિસ્ટમ) ઉપરાંત નવા આંતરિક રાચરચીલા સાથે ૨૦૧૩માં રૂ.૧૧ કરોડ (૨૦૨૦માં ₹૧૬ કરોડ અથવા ૨.૦ મિલિયન યુએસ ડોલરની સમકક્ષ)ના ખર્ચે કરવામાં આવ્યું હતું. પ્રવેશદ્વારના અગ્રભાગ પર રવિન્દ્રનાથ ટાગોરનું ૧૨ બાય ૨૪ ફૂટ (૩.૭ મીટર × ૭.૩ મીટર)નું સ્ટેઇનલેસ સ્ટીલનું ચિત્ર ઉમેરવામાં આવ્યું હતું, જેના પર તેમના બંગાળી હસ્તાક્ષર છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા ૨૫ નવેમ્બર ૨૦૧૩ના રોજ તેને ફરીથી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.[૪][૫][૬]

વાસ્તુકલા

ટાગોર હોલ નૃવંશ સ્થાપત્યકલાનું ઉદાહરણ છે.[૨] ચંદીગઢ ખાતે લી કાર્બઝિયરની ઇમારતો અને તેમના દ્વારા સૂચિત "બોક્સ ઓફ મિરેકલ્સ"થી પ્રેરાઇને દોશીએ હોલના બોક્સ આકારના બાહ્ય ભાગને રચવા માટે કોંક્રિટનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું હતું. ઇમારતની ઉત્તર અને દક્ષિણ કોંક્રિટની દિવાલો પર પરસાળ અને ઓડિટોરિયમની સાથે મજબૂત ત્રિકોણાકાર પરતોની શ્રેણી છે. આ સંરચનાત્મક તેમજ સુશોભિત વલયસ્તરો ઇમારતના ૧૭ મીટર ઊંચા અને ૩૩ મીટર પહોળા બાહ્ય માળખાની રચના કરે છે. આ વલયસ્તરો પછી બારીઓની એક શૃંખલા સાથેની સપાટ સપાટીઓ આવે છે જે ચોકઠા જેવું રંગમંચ અને વ્યાસપીઠ બનાવે છે. તે પછી ઇમારતના ખૂણે એક અંતિમ ત્રિકોણાકાર વળાંક આવે છે, જેમાં મિલ ઓનર્સ એસોસિયેશન બિલ્ડિંગથી પ્રેરિત દક્ષિણ ખૂણા પર બાહ્ય સીડી છે.[૧][૭][૮][૨]

પૂર્વ અને પશ્ચિમ રવેશ એ કોંકરેટની તકતીઓથી ભરેલી સરળ કોંકરેટ જાળીઓ છે. પશ્ચિમમાં છિદ્રિત પડદા જેવું પ્રવેશદ્વાર દક્ષિણ અને ઉત્તર તરફની દીવાલોને જોડે છે અને એક મંડપ રચે છે. પ્રવેશદ્વારમાં પ્રવેશતા, પરસાળમાં, ઑડિટોરિયમને ટેકો આપતા મૂર્તિસ્તંભો અને કેન્ટિલિવર[upper-alpha ૨] દેખાય છે. ૭૦૦ લોકોની ક્ષમતાવાળા ઑડિટોરિયમને સ્વતંત્ર માળખા દ્વારા ટેકો આપવામાં આવ્યો છે.[૧][૨]

આ પણ જુઓ

નોંધ

સંદર્ભ

બાહ્ય કડી