ટપાલ ટિકિટ

ટપાલ ટિકિટ એ પોસ્ટેજ ખર્ચની રસીદ દર્શાવતો નાના કદનો ટુકડો છે. તેના પાછળ ના ભાગમાં ગુંદર લગાડેલો હ

ટપાલ ટિકિટ એ પોસ્ટેજ ખર્ચની રસીદ દર્શાવતો નાના કદનો ટુકડો છે. તેના પાછળ ના ભાગમાં ગુંદર લગાડેલો હોય છે જેથી તેને પરબીડિયાં કે પોસ્ટકાર્ડ પર સહેલાઈથી ચોંટાડી શકાય છે. આ એમ દર્શાવે છે કે પ્રેષકે પ્રાપ્તકર્તાને પહોંચાડવા માટે ટપાલ સેવાઓનો પૂર્ણ રીતે અથવા આંશિક રૂપે ચુકવણી કરેલ છે. ટપાલ ટિકિટ એ શુલ્ક ચૂકવવા માટેની સૌથી સરળ અને લોકપ્રિય નીવડેલ પદ્ધતિ છે; ટપાલ ટિકીટોને ટપાલ કચેરી ખાતેથી ખરીદ કરી શકાય છે. ટપાલ ટિકિટ એકઠી કરવી એ એક શોખ છે. ટિકિટ સંગ્રહ ના શોખ ને ફિલાટેલી શબ્દ ઓગણીસમી સદીમાં ફ્રેંચ સંગ્રાહક એમ.વી. હરપીન[૧] એ આપ્યો હ્તો અને ટીકીટ સંગ્રાહક્ને ફિલાટેલીસ્ટ તરીકે ઓળખવામાં આવે છે.[૨] ટપાલ ટિકિટ દેશના બહુમૂલ્ય તેમજ ભવ્ય પાસાંઓ જેવાં કે ઇતિહાસ, ભૂગોળ, કલા અને શિલ્પ, ઉદ્યોગ અને સંચાર, કૃષિ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી, ઘટનાઓ તેમજ ઐતિહાસિક મહાપુરુષોને પ્રતિબિંબિત કરે છે. સાર્વજનિક સંદેશાઓ સમગ્ર રાષ્ટ્ર તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ મુકવાનું કામ કરે છે.[૩]

ટપાલ ટિકિટના મુખ્ય ઘટકો: ૧. છબી, ૨. છિદ્રણ, ૩. મૂલ્ય, ૪. દેશનું નામ

શોધ

લોવરેન્ક કોસીર
રોવલેન્ડ હીલ

ટપાલ ટિકિટો ચલણમાં આવી તે પહેલાં ટપાલ ખર્ચ મોકલનાર પાસેથી રોકડો વસૂલાતો અથવા જેને કાગળ મોકલવામાં આવ્યો છે તેના દ્વારા ચૂકવાતો. આધુનિક ઇતિહાસને તપાસતાં માલૂમ પડે છે કે મોકવામાં આવેલી ટપાલ પર ખર્ચ ચૂકવવામાં આવ્યો છે કે કેમ તે દર્શવવા વિવિધ પદ્ધતિઓ વપરાઇ છે. જેમ કે ખર્ચ ચૂકવાયાના નિર્દેશ માટે કાગળ પર અનપેઈડ કે પોસ્ટપેઇડ ની છાપ મારવામાં આવતી. આમ, ટપાલ ટિકિટ્ની શોધ એ કોઇ એકનું પ્રદાન ન રહેતાં ઘણા બધાં વ્યક્તિઓનું સહિયારું પ્રદાન ગણાય.[૪]

વિલિયમ ડોકવારા

૧૬૮૦ માં, લંડનમાં રહેતા ઈગ્લેંડના એક વેપારી વિલિયમ ડોકવારા અને તેના સાથી રોબર્ટ મૂરે એ ‘લંડન પેની પોસ્ટ’ ની સ્થાપના કરી. ફ્ક્ત એક પેનીના ખર્ચમાં જ લંડનની અંદરોઅંદર જ ટપાલ તથા નાના પાર્સલ પહોંચાડી આપવાની સુવિધા આપવામાં આવતી હતી. ટપાલ પહોંચી ગયાની ખરાઇ માટે ટપાલ કે પાર્સલ પર હાથથી સિક્કો કે છાપ મારવામાં આવતી. જોકે આ છાપ કે સિક્કો કોઇ અલગ કાગળનો ટૂકડો ન હતો છતાં ઘણા ઇતિહાસકારો દ્વારા તેને વિશ્વની પ્રથમ ટપાલ ટિકિટ ગણાય છે.[૫]

લોવરેન્ક કોસીર

૧૮૩૫ માં, ઓસ્ટીયા-હંગેરી (હાલ સ્લોવેનિયા) ના નાગરિક લોવરેન્ક કોસીરએ “ટપાલ ખર્ચ વસૂલ્યાની રસીદ દર્શાવતો ટૂકડો” ચોંટાડવા સુચવ્યો હતો. [૬] જોકે અમલદારો દ્વારા તેની ભલામણોનો અમલ થયો ન હતો. [૭][૮]

રોવલેન્ડ હીલ

૧૮૩૫ રોલેન્ડ હીલે ઈંગ્લેન્ડની કર બાબતની પરિસ્થિતિઓનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. તેમણે નોંધ્યું કે દર વધવા છતાં ટપાલની આવક ઘટતી જતી હતી. અભ્યાસમાં દર્શાવાયું કે ટપાલ ખર્ચ ચૂકવ્યા વિનાના (અનપેઈડ) કાગળો જેમને મોકલાયા છે તેમના દ્વારા અસ્વિકાર કરાતો.[૯] ૧૮૩૬ માં, બ્રિટીશ સાંસદ રોબર્ટ વેલેસે, સર રોવલેન્ડ હીલ ને ટપાલ સેવા સંબંધિત કેટલાંક પુસ્તકો અને દસ્તાવેજ આપ્યાં. જેને હીલે “અડધો ટન સામગ્રી” તરીકે વર્ણવ્યાં છે.[૧૦] [૧૧] ગહન અભ્યાસ બાદ, ૪ જાન્યુઆરી ૧૮૩૭ના રોજ હીલે “પોસ્ટ ઓફિસ સુધારા: તેની ઉપયોગીતા અને પ્રાંસગિકતા” શીર્ષક હેઠળ તેમનો અહેવાલ “ખાનગી અને ગોપનીય”ની નોંધ સાથે ચાન્સેલર ઓફ એક્સથેકર – થોમસ સ્પ્રીંગ રાઇસને સુપરત કર્યો. ચાન્સેલરે હીલને મુલાકાત માટે બોલાવી અહેવાલમાં થોડા ઘણાં સુધારા પૂરવણી રૂપે સૂચવ્યાં. જે હીલે ત્યારબાદ ૨૮ જન્યુઆરી ૧૮૩૭માં સુપરત કર્યાં. પોસ્ટ ઓફિસ સુધારા અંતર્ગત હીલે ટપાલના દર નીચા અને સમાન રાખવાનો તથા અગાઉથી પૈસા ચૂકવવાનો આગ્રહ રાખ્યો.

ટપાલ ખર્ચને અગાઉથી લેવાતી ફીને કારણે આવકની ખોટમાં ઘટાડો નોંધાયો. સાથે સાથે ટપાલ પહોચાડ્યાં પછી સ્વીકારનારા પાસેથી ટપાલ ખર્ચ ઉઘરાવાની ઝંઝટનો અંત આવ્યો. બ્રિટનની સફળતાથી પ્રેરાઇને અન્ય દેશોએ પણા ટપાલ ટિકિટો બહાર પાડી. રોબર્ટ હીલ અને તેમના દ્વારા સૂચવાયેલાં સુધારાઓને ઘણા દેશોની ટપાલ ટિકિટો પર સ્થાન મળ્યું છે. ભારતીય ટપાલ વિભાગ દ્વારા પણ તેમના સન્માનમાં વર્ષ ૧૯૮૦માં નવી દિલ્હી ખાતે આયોજીત આંતરરાષ્ટ્રીય ટપાલ ટિકિટ પ્રદર્શન દરમ્યાન એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી છે.

જેમ્સ ચેલ્મર્સ

૧૮૮૧ માં સ્કોટીશ વ્યક્તિ પેટ્રીક ચેલ્મર્સ એ તેના પુસ્તક “૧૮૩૭ની પેની પોસ્ટેજ સ્ટેમ્પ” માં એવો દાવો કર્યો કે, ટપાલ ટિકિટ્ની શોધનો શ્રેય તેના પિતા જેમ્સ ચેલ્મર્સને જાય છે. તેને પુસ્તકમાં જણાવ્યું કે ઓગસ્ટ ૧૮૩૪ માં તેના પિતાએ લખેલા નિબંધમાં ટપલ ટિકિટનો ચિતાર રજૂ કરવામાં આવ્યો છે. અને તેના વપરાશની ભલામણ પણ કરવામાં આવી છે. ૧૮૯૧ માં પેટ્રીકનુ અવસાન થયું ત્યાં સુધી તેઓ ટપાલ ટિકિટના મૂળ શોધક તરીકેનો શ્રેય તેમના પિતાને મળે ત માટે પ્રયત્નશીલ રહ્યાં. [૧૨]પેટ્રીકના દાવાનો પહેલો પૂરાવો ૮ ફેબ્રુઆરી ૧૮૩૮ની તારીખનો એ નિબંધ છે જેનો પોસ્ટ ઓફિસ દ્વારા ૧૭ ફેબ્રુઆરી ૧૮૩૮ ના રોજ સ્વીકાર કરવામાં આવ્યો હતો.[૧૩] જેમાં તેના પિતાએ ચોંટાડીએ શકાય તેવી ટપાલ ટિકિટનો ઉલ્લેખ કરેલ છે.

“…. મિ. હીલની પોસ્ટેજના સમાન ખર્ચની યોજના છે. મારા મતે સૌથી સરળ અને સસ્તો એ છે કે, છાપવાળી ચબરખી તૈયાર કરવામાં આવે જેના પાછળના ભાગમાં ચોંટાડી શકાય તેવો ગુંદર જેવો પદાર્થ લગાડેલો હોય….”

ચેલ્મર્સના નિબંધની મૂળ હસ્તપ્રત હાલ યુનાઇટેડ કિંગડમના રાષ્ટ્રીય પોસ્ટલ મ્યુઝીયમ ખાતે સચવાયેલી છે.

ચેલ્મર્સના નિબંધમાં અને હીલના સુધારામાં પોસ્ટેજ ખર્ચના મૂલ્યની સમાનતા જોવા મળે છે. બની શકે કે ચેલ્મર્સ હીલની ભલામણોથી વાકેફ હોય અથવા તેમણે હીલની ભલામણોના દસ્તાવેજ મળી ગયાં હોય. ચેલ્મર્સના નિબંધમાં ક્યાંય છાપ પાડે શકાય તેટલા આકારનો કાગળનો ટુકડો” જેવો કોઇ ઉલ્લેખ જોવા મળતો નથી. જે દર્શાવે છે કે, કાં તો ચેલ્મર્સએ હીલના વિચારની ઉઠાંતરી કરી હોય અથવા તે તેમનો સ્વતંત્ર વિચાર હોઇ શકે છે. જેમ્સ ચેલ્મર્સે “ ટપાલ ખર્ચના નીચા અને સમાન દરો” અનુસંધાને હાઉસ ઓફ કોમન્સમાં અરજી (પીટીશન) પણ દાખલ કરેલી. પહેલી પીટીશન ૪ ડિસેમ્બર ૧૮૩૭.[૧૪] ત્યારબાદ ૧લી મે ૧૮૩૮, ૧૪ મે ૧૮૩૮ અને ૧૨ જૂન ૧૮૩૯. એમ કુલ ચાર પીટીશન દાખલ કરેલી. તે જ સમયે અન્ય કેટલીક સંસ્થાઓ દ્વારા પણ આ જ પ્રકારની ઘણી પીટીશન દાખલ કરાયેલી. બધી જ પીટીશન નીચા દર, ગ્રાહકલક્ષી, વજન પમાણે ટપાલ ખર્ચની ચુકવણીની ભલામણ કરતી હતી. આ બધી જા ભાલમણો હીલના દસ્તાવેજમાં જોવા મળે છે.

અન્ય દાવેદારો [૧૫]
  • બ્રિટીશ મ્યુઝીયમના ડૉ. જહોન ગ્રે
  • સેમ્યુઅલ ફોરેસ્ટર, સ્કોટીશ કર અધિકારી
  • સ્ચર્લ્સ વ્હાઈટીંગ, લંડન સ્ટેશનર
  • સેમ્યુઅલ રોબર્ટ્સ, વેલ્સ
  • ફ્રાન્સિસ વોરેલ સ્ટીવન્સ – લૌટનના સ્કૂલ માસ્તર
  • ફર્ડિનાન્ડ ઇગાર્ટર, ઓસ્ટ્રીયા
  • ક્યુરી ગેબ્રીઅલ ટ્રેફેનબર્ગ, સ્વીડન

ઇતિહાસ

પેન્ની બ્લેક, વિશ્વની સૌથી પહેલી ટપાલ ટિકિટ.

જો કે, ટપાલ ટિકિટના શોધ-વિચાર માટે ઘણી બધી વ્યક્તિઓએ દાવા કર્યા છે છતાં એ બહું સ્પષ્ટ રીતે દસ્તાવેજીકૃત છે. સર રોનાલ્ડ હીલ દ્વારા સુચવાયેલાં ટપાલ સુધારાના પરિણામે સૌ પ્રથમ ૧લી મે ૧૮૪૦ના રોજ ટપાલ ટિકિટ બહાર પાડવાનું શ્રેય ‘યુનાઈટેડ કિંગડમ ઓફ ગ્રેટ બ્રિટન એન્ડ આયરલેન્ડ’ ને જાય છે. પ્રથમ ટપાલ ટિકિટ પેની બ્લેક ૧લી મે ૧૮૪૦ થી ખરીદી માટે પ્રાપ્ય થઇ જે ૬ મે ૧૮૪૦ થી વપરાશમાં આવી. તેના બે દિવસ બાદ ૮ મે ૧૮૪૦ ના રોજ ‘વાદળી રંગની બે પેનીની ટિકિટ’ની રજૂઆત થઇ. અડધા ઔસથી ઓછા વજનવાળી ટપાલ માટે પેની બ્લેક પૂરતી હતી. બંને ટપાલ ટિકિટો પર રાણી વિક્ટોરીયાનો ચહેરો છપાયો હતો. બંને ટપાલ ટિકિટોમાં પરફોરેશન (છિદ્રકતાર) ન હતા આથી આખી શીટમાંથી તેમને છૂટી પાડવા કાતરથી કાપવામાં આવતી હતી.

ટિકિટ બહાર પાડનારો યુ.કે. એકમાત્ર દેશ હોવાથી પ્રથમ ટપાલ ટિકિટમાં દેશના નામનો ઉલ્લેખ જોવા મળતો નથી. અને આમ, યુ.કે. એકમાત્ર એવો દેશ રહ્યો કે જેની ટપાલ ટિકિટ પર દેશનું નામ ન હતું. [૧૬][૧૭] ૧૮૩૯ પહેલાં યુ.કે.માં ટપાલ દ્વારા મોકલાયેલા કાગળની સંખ્યા ૭૬ મિલીયન હતી જેમાં ૧૮૫૦ સુધીમાં પાંચ ઘણો (૩૫૦ મિલીયન) ઉછળો જોવા મળ્યો. [૧૮]

યુ.કે.ની હરોળમાં જ સ્વીટ્ઝર્લેન્ડે ૧ માર્ચ ૧૮૪૩ના રોજ પોતાને ટપાલ ટિકિટ બહાર પાડી જે 'કેન્ટોન ઓફ જૂરીચ' તરીકે ઓળખાય છે. પેની બ્લેક માટે વપરાયેલાં પ્રિન્ટરથી જ બ્રાઝીલે ૧ ઓગસ્ટ ૧૮૪૩ના રોજ પોતાની પ્રથમ ટિકિટ બહાર પાડી. જો કે, બ્રિટનથી અલગ તેણે તેમના રાજા પેડ્રો– ૨ ના ફોટોવાળી ટિકિટ બહાર ન પાડતાં 'બુલ્સ આઇ' તરીકે ઓળખાતી ટિકિટ બહાર પાડી. જેથી તેમના રાજાની છબીને પોસ્ટમાર્ક દ્વારા ખરાબ થતી નિવારી શકાય.

યુ.એસ.એ. એ ૧૮૪૭માં તેમની પહેલી અધિકૃત ટપાલ ટિકિટ તરીકે ૫ અને ૧૦ સેન્ટની બેન્જામિન ફ્રેન્કલીન અને અબ્રાહમ લિંકનને દર્શાવતી બે ટિકિટો બહાર પાડી. જાન્યુઆરી ૧૮૫૪માં ટપાલ ટિકિટ વિચ્છેદન માટે પરફોરેશન તૈયાર કરાયા. પ્રથમ અધિકૃત પરફોરેટેડ ટપાલ ટિકિટ ફેબ્રુઆરી ૧૮૫૪માં બહાર પડી. [૧૯]

આકાર અને સામગ્રી

સામાન્ય રીતે લંબચોરસ આકારમાં જોવા મળતી ટપાલ ટિકિટોમાં ક્યારેક ગોળ, ત્રિકોણાકાર, પંચકોણીય કે અસામાન્ય આકારોનું વૈવિધ્ય જોવા મળે છે. યુ.એસ.એ. દ્વારા વર્ષ ૨૦૦૦ માં તેમની પહેલી વર્તુળાકાર ટિકિટ બહાર પાડી. [૨૦][૨૧] મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે ભારતે બહાર પાડેલી મિનીએચર શીટ (લઘુચિત્ર)માં ગાંધીજીની આઠ ટિકિટો બહાર પડાઇ છે. જે ભારત દ્વારા બહાર પડાયેલી સૌ પ્રથમ વર્તુળાકાર ટપાલ ટિકિટો છે. ટપાલ ટિકિટો મોટેભાગે તેમના માટે ખાસ તૈયાર કરેલાં કાગળો પર રોલ, શીટ કે બુકલેટ સ્વરૂપે બહાર પડાય છે. ઘણા ઓછા કિસ્સાઓમાં ટિકિટો અન્ય સામગ્રી પર છપાઇ છે. જેમ કે, નેધરલેન્ડે ચાંદીના વરખ પર ટિકિટ બહાર પાડી છે. સ્વીટ્ઝર્લેન્ડે લાકડા પર બહાર પાડી છે. યુ.એસ.એ. એ પ્લાસ્ટીક પર તો જર્મનીએ સંશ્લેષિત રસાયણ પર ટિકિટ બહાર પાડી છે. ભૂતાન દ્વારા એક પ્લેબેક રેકોર્ડે પર ટિકિટ છાપવામાં આવી છે. આ પ્લેબેક રેકોર્ડમાં ભૂતાનનું રાષ્ટ્રગીત પણ છે. [૨૨]

પ્રિંટીગ

વોટરમાર્ક

સેપરેશન / પરફોરેશન

ટપાલ ટિકિટની આખી શીટમાં જોવા મળતા પરફોરેશન (છિદ્રકતાર).

ઇ.સ. ૧૮૪૦ થી ૧૮૫૦ના સમયગાળામાં ટપાલ ટિકિટોને સરળતાથી છૂટી પાડી શકાય તેવી છિદ્ર કતાર (પરફોરેશન) ન હતા. આથી ટિકિટોને છૂટી પાડવા કાતર કે છરી વડે કાપવી પડતી હતી. આ પદ્ધતિ ખૂબ જ સમય માગી લે તેવી હતી. ઉપરાંત બધી જ ટિકિટો અસમાન આકારની બનતી હતી. ટપાલ ટિકિટ વિચ્છેદક યંત્ર (સેપરેશન મશીન)ની શોધ પછી બધા જ દેશો ઝડપથી આ પદ્ધતિને અપનાવવા લાગ્યા. છિદ્રોની કતાર(પરફોરેશન) ની ગેરહાજરી કે સ્થળાંતર ક્ષતિ (શીફ્ટીંગ એરર) ટિકિટ સંગ્રાહકો માટે અમૂલ્ય ગણાય છે. પરફોરેશન માટેનું યંત્ર શોધવાનું શ્રેય આયરીશ જમીનદાર હેન્રી આર્ચરને જાય છે. યુનાઈટેડ કિંગડમએ સૌ પ્રથમ પરફોરેશન વાળી ટિકિટ બહાર પાડી હતી.૧૮૫૪માં લંડનમાં બહાર પડેલી પેની રેડ ટિકિટએ આ યંત્ર દ્વારા પરફોરેશન કરવામાં આવેલી સૌ પ્રથમ ટિકિટ હતી.

‘ધ પેની રેડ’ ૧૮૫૪. વિશ્વની સૌ પ્રથમ પરફોરેટેડ (છિદ્રકતાર ધરાવતી) ટપાલ ટિકિટ

૨ સે.મી ના અંતરમાં પડેલા છિદ્રોની સંખ્યાને આધારે અથવા વૈયક્તિક ટિકિટના સંદર્ભમાં દાંતાની સંખ્યાને આધારે પરફોરેશન નક્કી કરવામાં આવે છે [૨૩]

પ્રકાર

મહત્વની તવારીખ [૨][૨૪][૨૫]

વર્ષઘટના
૧૨૯૬અલ્લાઉદ્દીન ખીલજી : ઘોડા અને પગપાળા ટપાલતંત્ર ધરાવતો હતો.
૧૫૪૧ - ૧૫૪૫શેરશાહ સૂરીએ બંગાળથી સિંધ પ્રાંત સુધી ૨૦૦૦ માઇલનો રસ્તો બાંધી ઘોડા દ્વારા ટપાલોની વ્યવસ્થા કરી.
૧૬૬૧સૌથી પહેલો પોસ્ટમાર્ક (પોસ્ટ ઓફિસનું નામ અને તારીખ દર્શાવતી છાપ) "બિશપ માર્ક" અસ્તિત્વમાં આવ્યો.
૧૬૭૨મૈસુરના રાજા ચિક્કાદેવે રાજયમાં નિયમિત ટપાલ સેવાઓનું આયોજન કરેલું.
૧૬૮૦લંડનમાં સ્થાનિક પેની પોસ્ટ પદ્ધતિની શરૂઆત
૧૭૭૪વોરેન હેસ્ટીજે ભારતમાં પોસ્ટ ઓફિસની વ્યવસ્થા ઊભી કરી.
૧૮૩૭ઈંગ્લેન્ડમાં પોસ્ટ ઓફીસ ધારો પસાર થયો.
૧૮૪૦વિશ્વની સૌ પ્રથમ ટપાલ ટિકિટ 'પેની બ્લેક' ગ્રેટ બ્રિટન દ્વારા બહાર પડાઈ.
૧૮૪૦સૌથી પહેલી પોસ્ટલ સ્ટેશનરી (સામગ્રી) 'મૂલરેડી એન્વેલોપ ' (શોધક william mulaready) શોધાયું
૧૮૫૨ભારતની (એશિયાની પણ) સૌથી પહેલી ટપાલ ટિકિટ " સિંધ ડાક " બહાર પડી.
૧૮૫૪ઇસ્ટ ઈન્ડીયા કંપની દ્વારા બ્રિટીશ ભારતની સૌથી પહેલી ટપાલ ટિકીટ બહાર પાડવામાં આવી. (કિંમત ૧/૨ આના)
૧૮૫૭પર્સન હિલ એ ટિકીટ કેન્સલેશન મશીન ની શોધ કરી.
૧૮૬૬જમ્મુ કાશ્મીર રાજ્યની ટિકિટ બહાર પડી
૧૮૬૯હૈદરાબાદ રાજ્યની ટિકિટ બહાર પડી
૧૮૬૯ઓસ્ટ્રેલિયામાં સૌ પ્રથમ પોસ્ટકાર્ડ બહાર પડ્યું.
૧૮૭૫જનરલ પોસ્ટલ યુનિયનની રચના
૧૮૭૬ભોપાલ રાજ્યની ટિકિટ બહાર પડી
૧૮૭૬ભારત જનરલ પોસ્ટલ યુનિયનમાં જોડાયું
૧૮૭૮જનરલ પોસ્ટલ યુનિયન (GPU) નામ યૂનિવર્સલ પોસ્ટલ યુનિયન કરાયું
૧૮૭૮ઝાલાવાડ રાજ્યની ટિકિટ બહાર પડી
૧૮૭૯ભારતમાં સૌપ્રથમ પોસ્ટકાર્ડ બહાર પડ્યું
૧૮૮૦રાજપીપળા રાજ્યની ટિકિટ બહાર પડી
૧૮૮૬અંબા અને કોચીન રાજ્યની ટિકિટ બહાર પડી
૧૮૮૮ત્રાવણકોર અને વઢવાણ રાજ્યની ટિકિટ બહાર પડી
૧૯૦૪જયપુર રાજ્યની ટિકિટ બહાર પડી
૧૯૧૧તા. ૧૮ ફેબ્રુઆરી ૧૯૧૧ના રોજ અલ્હાબાદથી નૈનિતાલ વચ્ચે વિશ્વની સૌ પ્રથમ એર મેલ સેવાનો પ્રારંભ
૧૯૨૬નાસિકમાં ઈન્ડિયા સિક્યુરીટી પ્રેસની સ્થાપના
૧૯૨૯કોમનવેલ્થ દેશોમાં સૌ પ્રથમ ભારતે એરમેલ સ્ટેમ્પ (ટિકિટ) બહાર પાડી.
૧૯૩૧નવી દીલ્હીના ઉદઘાટ્ન પ્રસંગે ભારતની પ્રથમ સચિત્ર ટિકિટ બહાર પાડવામાં આવી.
૧૯૩૧મોરબી રાજ્યની ટિકિટ બહાર પડી
૧૯૪૨જસદણ રાજ્યની ટિકિટ બહાર પડી
૧૯૪૭સ્વતંત્ર ભારતની પ્રથમ ત્રણ ટિકિટો બહાર પડી.
૧૯૪૮ગાંધીજીની ચાર ટપાલ ટિકિટો બહાર પડાઈ જે સ્વતંત્ર ભારતની એકમાત્ર ટિકિટો છે જેનું છાપકામ ભારત બહાર સ્વીટ્ઝર્લેન્ડમાં થયેલું
૧૯૭૨ભારતમાં પીનકોડ (PINCODE)ની શરૂઆત
૧૯૮૬ભારતમાં સ્પીડ પોસ્ટ (Speed Post )ની શરૂઆત

સંદર્ભ

બાહ્ય કડીઓ