જોગીન્દર સિંહ

સુબેદાર જોગીન્દર સિંહ (૨૬ સપ્ટેમ્બર ૧૯૨૧-૨૩ ઓક્ટોબર ૧૯૬૨) ભારતીય ભૂમિસેનામાં સૈનિક હતા. તેમનો જન્મ પંજાબ, ભારતના મોગા જિલ્લામાં થયો હતો. તેમને ભારત-ચીનના યુદ્ધ સમયના સર્વોચ્ચ પુરસ્કાર પરમવીર ચક્ર વડે સન્માનિત કરવામાં આવ્યા હતા. ૨૮ સપ્ટેમ્બર ૧૯૩૬ના રોજ તેઓ ૧ શીખ રેજિમેન્ટમાં ભરતી થયા. તેમના પિતા શેર સિંહ સાહના એક ખેડૂત સૈની શીખ પરિવારના સભ્ય હતા અને હોશિયારપુર જિલ્લાના નિવાસી હતા.[૨] તેમની માતાનું નામ બીબી ક્રિશન કૌર ભેલા હતું. તેમના લજ્ઞ બીબી ગુરદયાલ કૌર બાંગા સાથે થયા હતા. તેઓએ પ્રાથમિક શિક્ષણ નાથુ આલા ખાતે અને માધ્યમિક શિક્ષણ દારોલી ખાતે મેળવ્યું હતું.[૨]

સુબેદાર
જોગીન્દર સિંહ
PVC
પરમ યોદ્ધા સ્થળ, નેશનલ વોર મ્યુઝિયમ, નવી દિલ્હી ખાતે જોગીન્દર સિંહની અર્ધપ્રતિમા
જન્મ(1921-09-28)28 September 1921
મહલા કલાન, મોગા જિલ્લો, પંજાબ પ્રાંત, બ્રિટીશ ભારત
મૃત્યુ23 October 1962(1962-10-23) (ઉંમર 41)
બુમ લા પાસ, ઉત્તર-પૂર્વ ફ્રન્ટિયર એજન્સી, ભારત
દેશ/જોડાણ India
સેવા/શાખા ભારતીય ભૂમિસેના
સેવાના વર્ષો૧૯૩૬–૧૯૬૨
હોદ્દો સુબેદાર
સેવા ક્રમાંકJC-4547[૧]
દળપ્રથમ બટાલિયન, શીખ રેજિમેન્ટ
યુદ્ધોદ્વિતીય વિશ્વયુદ્ધ
૧૯૪૭નું ભારત-પાકિસ્તાનનું યુદ્ધ
૧૯૬૨નું ભારત-ચીન યુદ્ધ
પુરસ્કારો પરમવીર ચક્ર

લશ્કરી કાર્યવાહી

૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધ સમયે સુબેદાર જોગીન્દર સિંહ નેફા વિસ્તારમાં તવાંગ ખાતે એક ટુકડીનું નેતૃત્વ કરી રહ્યા હતા. તેઓ બુમ લા ધુરી પર તોન્ગપેન લા ખાતે એક ટેકરી પર રક્ષણાત્મક ચોકી પર હતા ત્યારે તેમની ટુકડીએ સરહદની બીજી તરફ ૨૦ ઓક્ટોબરના રોજ મોટી સંખ્યામાં ચીની સૈનિકોને જોયા. તેઓ ઓક્ટોબર ૨૩ના રોજ બુમ લા થનારા હુમલાની તૈયારી કરી રહ્યા હતા.

ઓક્ટોબર ૨૩એ સવારના ૫.૩૦ વાગ્યે ચીની સૈનિકોએ બુમ લા ધુરી પર મોટી સંખ્યામાં હુમલો કર્યો. તેમનો ઇરાદો તવાંગ સુધી પ્રતિરોધ ખતમ કરી પહોંચવાનો હતો. ચીની સૈનિકોએ ટેકરી પર ત્રણ તબક્કામાં હુમલો કર્યો અને દરેક ટુકડીમાં આશરે ૨૦૦ સૈનિકો હતા. હુમલાને અન્ય હથિયારો સાથે સાથે મોર્ટાર અને તોપખાનાની મદદ હતી. પરંતુ શીખ ટુકડીના સખત વિરોધને કારણે ચીની સૈનિકોએ મોટી જાનહાનિ સાથે પાછા હટવું પડ્યું. પરંતુ તેઓ તુરત જ ફરીથી તૈયાર થઈ અને તોપખાનાની મદદથી હુમલો કર્યો.

આગળ વધતા દુશ્મન સામે સુબેદાર જોગીન્દર સિંહ અને તેમની ટુકડી ખડક બની અને ઉભી રહી. આ ભીષણ સંઘર્ષમાં ટુકડીએ તેના અડધો અડધ સૈનિકો ખોયા પરંતુ લડવાની ઈચ્છાશક્તિ ગુમાવી નહિ. સુબેદાર જોગીન્દર સિંહે સાથળમાં જખમ થવા છતાં પાછા હટવાની ના પાડી. તેમની ટુકડીએ પણ ચીની સૈન્ય સામેથી હટવાની ના પાડી. ચીની સૈન્યાના હુમલા આગલા હુમલાઓ કરતાં વધુ શક્તિશાળી અને કૃતનિશ્ચયી બનતા ગયા. સુબેદાર જોગીન્દર સિંહે આશરે ૫૨ દુશ્મનોને મોતને ઘાટ ઉતાર્યા.

પરંતુ તેઓ એકલે હાથે ચીની સૈનિકોના ધસારાને રોકી ન શક્યા. ચીની સૈનિકો જાનહાનિને ગણકાર્યા સિવાય આગળ વધતા ગયા. અત્યાર સુધીમાં ભારતીય ટુકડીની તમામ ગોળીઓ વપરાય ચુકી હતી. જ્યારે સ્થિતિ વધુ વણસી ત્યારે જોગીન્દર સિંહ અને તેમના સાથીઓ સંગીન લગાવી "જો બોલે સો નિહાલ, સત્ શ્રીઅકાલ" ના યુદ્ધનારા સાથે ખાઈમાંથી બહાર કૂદી પડ્યા અને સંગીન વડે ઘણા દુશ્મનોને મોતને ઘાટ ઉતાર્યા.

અંતે ચીની સૈનિકોના આધુનિક હથિયારો અને સાંખ્યિક દૃષ્ટિએ બહુમતી સફળ થઈ અને સુબેદાર સિંહ બંદી બન્યા. લડાઈમાં થયેલા જખમો અને હિમડંખને કારણે તેઓ ચીની કબ્જામાં મૃત્યુ પામ્યા. તેમના પ્રેરણાદાયક નેતૃત્વ, અડગ વીરતા અને ફરજની સર્વોચ્ચ ભાવના માટે સુબેદાર જોગીન્દર સિંહને મરણોપરાંત પરમવીર ચક્ર વડે સન્માનિત કરવામાં આવ્યા.

મોગા, પંજાબ ખાતે સ્મારક

૨૦૦૬માં સુબેદાર જોગીન્દર સિંહની પ્રતિમાનું મોગા ખાતે અનાવરણ કરવામાં આવ્યું અને નાગરિક સન્માન કરવામાં આવ્યું.[૩]

અન્ય સન્માનો

ભારતીય નૌકાપરિવહન નિગમે તેમની નૌકાને સુબેદાર જોગીન્દર સિંહ નું નામ આપી અને આ વીર પુરુષને સન્માન આપ્યું.

સંદર્ભો